रविवार, 16 सितंबर 2012


અધ્યાય : ૨૧ પૂજા કરવાની વિધિ
 ઉપર પ્રમાણે વ્રત કરવાની વિધિ કહ્યા પછી વાલ્મીકિ એ દઢધન્વાને પૂજા કરવાની વિધિ આ પ્રમાણે છે તેમ જણાવ્યું.
'
ધાતુની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી તેમાં દેવત્વ આવે છે. પ્રતિમાના બન્ને ગાલને જમણા હાથથી અડકવું. તેમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પછી પવિત્ર બનીને હાથ જોડીને કહેવું હે પ્રભો ! મારી પૂજા માટે આ મૂર્તિમાં આપના પ્રાણનો સંચાર થાઓ.'
પછી આસન આપીને જળની આચમની મૂકીને કહેવું. 'હે પુરુષોત્તમ ! આ આસનનો સ્વીકાર કરો. ગંગા, યમુનાનાં પવિત્ર જળને પાદપ્રક્ષાલન માટે ગ્રહણ કરો. પછી દૂધ દહીં, ઘી, મઘ અને સાકરથી પ્રતિમાને સ્નાન કરાવવું. સ્વચ્છ પીતાંબર, ચંદન, અક્ષત અને તુલસી અર્પણ કરવાં. પછી અબીલ, ગુલાલ, ઈત્યાદી સુગંધિત દ્રવ્યો ચઢાવવા.'
'
હે દેવેશ ! હું આપને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આપ મારી મનોકામનાઓ સિદ્ધ કરો. પછી ધૂપ, નૈવેધ, જળ, મુખવાસ વગેરે ધરાવીને ભગવાનનાં સર્વાગોની તથાવિધિ પૂજા કરવી. ત્યારબાદ શક્તિ પ્રમાણે દક્ષિણા મૂકવી. આરતી ઉતારવી ઃ પ્રદક્ષિણા ફરવી અને બે હાથ જોડીને પુરૃષોત્તમ ભગવાનની પૂજા કરવી. પ્રાર્થના કરવી, પ્રાર્થના કરતી વખતે નીચેનો શ્લોક બોલવો.'
મંત્રહાનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરં,
યત્પૂજિત મયા દેવં પરિપૂર્ણ તદસ્તુ મે
('
હે દેવેશ ! આપની પૂજામાં કંઈ પણ દોષ રહ્યો હોય તો તેને મારા આ ભક્તિભાવપૂર્ણ પૂજનથી સંપૂર્ણ માની લેજો.')
'
આ રીતે પૂજન કરનાર સંસારમાં અનેક સુખો ભોગવીને પછી વૈકુંઠ લોકમાં જાય છે.'
પુરૃષોત્તમ માસની કથા...

અધ્યાય : ૨૨ અધિક માસના વ્રતના નિયમો
 દઢધન્વા રાજાએ હાથ જોડીને વાલ્મીકિને પૂછ્યું ઃ 'હે ઋષિ ! આ માસનું વ્રત કરનારે ક્યા ક્યા નિયમો પાળવા જોઈએ ? શું ખાવું જોઈએ ! આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો.'
વાલ્મીકિએ કહ્યું ઃ 'હે રાજન ? હું તને પુરુષોત્તમ માસના નિયમ ટૂંકાણમાં કહી સંભળાવું છું તે સાંભળ. આ માસમાં ઘઉં, ચોખા, સાકર, મગ, ઘી, જવ, તલ, વટાણા, આદુ, રતાળુ, કાકડી, કેળા, સિંધવ, ગાયનુ દહીં, દૂધ, ઘી અને માખણ કાઢ્યા વિનાની છાશ, ફણસ, કેરી, હરડે, પીપર, જીરૃ, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા ઈત્યાદી અન્ન-ફળ ખાવાં. મધ, અડદ, ચોખા કાળી રાઈ ઈત્યાદી ખાવાની મનાઈ છે. તે જ પ્રમાણે પારકું અન્ન, પારકાની નિંદા કે અદેખાઈ, પરસ્ત્રીગમન અને તીર્થયાત્રા સિવાય પરદેશ જવાની મનાઈ છે. ૅ
અધિક માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરૃ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા ઈત્યાદીની નિંદા ન કરવી. જાયફળ, મસૂર, રાંધેલું વાસી અનાજ, બકરી, ગાય કે ભેંસ સિવાયનું દૂધ, તાંબાના વાસણમાં રાંધેલું દૂધ, અને મસકમાં ભરેલા પાણીનો ત્યાગ કરવો. આ વ્રત પાળનારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, જમીન પર સૂઈ જવું જોઈએ ! અને સાંજની વેળાએ ખાખરાના પતરાળામાં ખાવું જોઈએ. નાસ્તિક, પતિત, મ્લેચ્છા, અંત્યજ રાજસ્વલા સ્ત્રી અને વેદની નિંદા કરનાર સાથે બોલવું જોઈએ નહીં. દાઝેલું અને બીજી વખત રાંધેલુ અને સૂતકીના ઘરમાં રંધાયેલું અનાજ ખાવું નહીં. ડુંગળી, લસણ, નાગરમોથ, સવાની ભાજી, ગાજર, અળવીનાં પાન, મૂળા, સરગવાની શીંગો ઈત્યાદી પદાર્થોનો આ માસમાં ત્યાગ કરવો.'
વિષ્ણુ ભગવાનના સંતોષ માટે શક્તિ હોય તેણે ચંદ્રાયણ વ્રત કરવું. એકમને દિવસે કોળું, બીજને દિવસે ઘોળાં રીંગણ, ત્રીજને દિવસે ફૂલના શાક, ચોથને દિવસે મૂળા, પાંચમને દિવસે બીલું, છઠ્ઠના દિવસે કાળીગડાં, સાતમને દિવસે કોઈ પણ ફળનું શાક, આઠમને દિવસે આંબળા, નોમને દિવસે નારિયેળ, દસમને દિવસે દૂધ, અગિયારસને દિવસે પંડોળાં, બારસને દિવસે બોર, તેરસને દિવસે પાણીમાં ઉત્પન્ન થતાં શાક-આ પ્રમાણે યથાક્રમે શાક ખાવાં નહીં. રવિવારે આંબળાં ખાવા નહીં. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા અધિક માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માગ્યા વિનાના ઘી, દૂધ કે ફળાહાર પર રહેવું.
જે દિવસે વ્રતની શરૃઆત કરવાની હોય તે દિવસે સવારમાં વહેલા ઊઠવું, અને સ્નાન ઈત્યાદીથી પરવારીને શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને વ્રત કરવાનો સંકલ્પ કરવો. 'હે રાજન ! નકોરડા ઉપવાસ કે એકટાણું ખાઈને આ વ્રત આચરવાનું નક્કી કરવું. આ માસમાં હંમેશા ભક્તિપૂર્વક શ્રીમદ્ ભાગવત સાંભળવું. આ માસમાં એક લાખ તુળસીદળથી શાલિગ્રામની પૂજા કરનારને ઘણું જ પૂણ્ય મળે છે.
આ માસનું યથા વિધિ પૂજન કરનારને જોતાં જ યમદૂતો પણ નાસી જાય છે. આ માસનું વ્રત કરનારને સો યજ્ઞાનું ફળ મળે છે. યજ્ઞા કરવાથી સ્વર્ગલોકમાં જવાય છે. જ્યારે આ માસનું વ્રત કરનાર ગોલોકમાં જાય છે.
આ પૃથ્વી પરનાં તીર્થો, ક્ષેત્રો અને દેવતાઓ આ માસનું વ્રત કરનારના શરીરમાં વાસ કરે છે. અધિક માસનું વ્રત કરનારને આધિ વ્યાધિ કે ઉપાધિ નડતી નથી, તેની ગરીબાઈ દૂર થાય છે. અને તેનું રક્ષણ કરે છે. ભૂત, પ્રેત કે પિશાચ તેને પજવી શકતાં નથી. આ રીતે વ્રતને આચારનાર શ્રીહરિને ઘણો જ પ્રિય થઈ પડે છે. સંસારમાં તેને અપાર સુખો મળે છે.'

અધ્યાય : ૨૩ ચિત્રબાહુ, ચંદ્રકળા અને ઉગ્રસેન

પુરૃષોત્તમ માસના આ નિયમોનું શ્રવણ કરીને દઢધન્વાએ પૂછ્યું ઃ 'હે મુનિ શ્રેષ્ઠ ! આ માસમાં દીવાનું દાન આપનારને શું ફળ મળે છે તે જણાવવાની કૃપા કરો.'
વાલ્મીકિએ પ્રસન્ન થઈને જવાબ આપ્યો ઃ 'હે રાજન તે વિશે હું તને એક કથા કહું છું. આ કથા સાંભળનારનાં પાપોનો નાશ થાય છે. સૌભાગ્ય નગરીમાં એક પ્રખ્યાત રાજા હતો, તેનું નામ ચિત્રબાહુ. તે જ્ઞાાની, શૂરવીર અને સત્યવાદી હતો, તે ભગવાનનો ભક્ત હતો. ને તે દયાળુ પણ હતો. તેની પાસે ચતુરંગ સેના હતી. તેનો દ્રવ્ય ભંડાર ભગવાન કુબેરના ભંડાર જેટલો વિશાળ હતો. તેની પત્નીનું નામ ચંદ્રકળા. તે ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. બન્ને જણ આનંદમાં રહેતાં અને ભગવાનના ગુણગાન સંભળાવતાં. તેમનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણમાં પરોવાયેલું રહેતું.
એક વેળા અણધાર્યા જ અગત્સ્યમુનિ રાજાને ત્યાં પધાર્યા. રાજાએ તેમને નમસ્કાર કરીને બેસવા માટે આસન આપ્યું. પછી તેમની ભક્તિપૂર્વક પૂજા કરી હાથ જોડીને કહેવા લાગ્યો ઃ આજે મારો જન્મ સફળ થયો. આપ મારે ત્યાં પધારવાથી આજનો દિવસ આ ઘર અને રાજ પાવન થયા. આપે મારા પર કૃપા કરી છે. હું આપના ચરણમાં મારૃં આખું રાજ ધરૃં છું. મારી પાસેની બધી જ વસ્તુઓ આપને આપવા યોગ્ય છે. આપને આપેલું થોડું દાન પણ મેરુ પર્વત જેટલું મોટું છે. જ્ઞાાની બ્રાહ્મણ બધી રીતે પૂજ્ય છે. પૂર્વેના ઋષિઓએ મન, વચન અને કર્મથી તેમને સન્માનવાની આજ્ઞાા કરેલી છે. હવે હું એકાંતમાં રહીને મારા જીવનને સફળ કરવા ઈચ્છું છું.'
અગત્સ્યમુનિએ કહ્યું ઃ 'હે ભૂપતે ! તુ મહા ભાગ્યશાળી છે. તને અને તારી પ્રજાને ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે. જે રાજામાં વિદ્યા અને ભક્તિ ન હોય તે રાજમાં રહેવું તે જંગલમાં રહેવા બરાબર છે. ભક્તિ વિનાનું રાજ આંખો વિનાના શરીર જેવું છે. જે રાજા ભક્ત હોય તેના જ રાજનો વિસ્તાર વધે છે. અને તેની જ પ્રજા સુખી થાય છે. હે રાજા ! તું મને રાજ આપે તે હું તને પાછું સોંપુ છું, મારી આજ્ઞાાથી તું તેનો વહીવટ કર. તારું કલ્યાણ થાઓ. હવે હું વિદાય લઉં છું.'
આ વચનો કહીને ઋષિ જવા માટે તૈયાર થયા તે સમયે ચંદ્રકળાએ ઋષિને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ઋષિએ તેને આર્શીવાદ આપ્યો ઃ 'હે પુત્રી ! તું અખંડ સૌભાગ્યવતી થજે. તું પતિ અને પ્રભુની સેવા પૂજા કરજે.' રાજાએ વિનયપૂર્વક પૂછ્યું ઃ 'મહારાજ ! મને આ રાજવૈભવ, લક્ષ્મી પતિવ્રતા પત્ની વગેરે શાને લીધે મળ્યાં છે ? મેં પૂર્વ જન્મમાં એવાં ક્યાં પૂણ્ય કર્યા છે તે કહો ? હે મુનિશ્વર ! આપનાથી કશું અજાણ નથી.'
રાજાની વિનંતી સાંભળીને ઋષિએ કહ્યું ઃ 'હે રાજન તારા પૂર્વજન્મનો વૃત્તાંત આ પ્રમાણે છે. ચમત્કાર નામના નગરમાં મણીગ્રીવ નામનો શુદ્ર રહેતો તે જ તું. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી સ્ત્રી મન, વચન અને કર્મથી પ્રતિવ્રતા હતી. તું પાપી હોવાથી સગાંવહાલાંએ તારો ત્યાગ કર્યો, રાજાએ તારી બધી મિલકત જપ્ત કરી લીધી. તારી પાસે એક પાઈ ન રહી. બધાએ તને તરછોડયો એટલે તું જંગલમાં ચાલ્યો ગયો. આમ હોવા છતાંય તારી પત્નીએ તારો ત્યાગ કર્યો નહીં. તું જીવ હિંસા કરીને તારું પોષણ કરવા લાગ્યો.
એક દિવસ તું શિકાર કરવા માટે જંગલમાં ગયો હતો. ત્યાં ઉગ્રસેન નામના એક મુનિ માર્ગ ભૂલી જતાં બપોરના સમયે એક ઝાડ નીચે બેશુદ્ધ થઈને પડયા હતા. તું ત્યાં આવી પહોંચ્યો. તેમને જોતાં જ તને દયા આવી. તું તેમને આશ્રમમાં લઈ આવ્યો. ત્યાં તમે બન્ને જણે તેમની ખૂબ સેવા કરી. ઋષિને જાગ્યા પછી બધી ખબર પડી. તે ઘણા જ પ્રસન્ન થયા. તે તેમને નજદીકના સરોવરમાં સ્નાન કરીને ફળાહાર કરવાનું કહ્યું, મુનિએ સ્નાન કરીને વાસુદેવની પુજા કરી, બધી વિધિ પતી ગયા પછી ઉગ્રસેને કહ્યું ઃ 'હે ભાગ્યશાળી શુદ્ર ! પ્રયાગ તરફ જતાં રસ્તામાં હું ભૂલો પડયો. બપોર થઈ જવાથી થાક અને તરસને લીધે હું બેભાન થઈ ગયો. તે મને જીવતદાન આપ્યું છે, બોલ હું તને તેનો બદલો કેવી રીતે આપું ? તારે આ વનમાં શા માટે આવવું પડયું ? હું તારું દુઃખ જરૃર ટાળીશ ?' ઉગ્રસેનની આવી મીઠી વાણી સાંભળીને મણીગ્રીવે પોતાનો બધો ઈતિહાસ કહી સંભળાવ્યો.

અધ્યાય : ૨૪ દીવાનું મહાત્મ્ય
 મણિગ્રીવે કહ્યું ઃ 'હે દ્વિવેત્તમ ! પૂર્વે હું ચમત્કાર નગરીમાં મારી પત્ની સાથે રહેતો હતો. હું ધનવાન, સદ્ગુણી અને પરોપકારી હતો, દુર્બુદ્ધિને લીધે હુ ંઅધર્મી, વ્યભિચારી, ચોર અને હિસંક બન્યો. મારાં સગાંઓએ મારો ત્યાગ કર્યો. રાજાએ મારું સર્વસ્વ પડાવી લીધું, ત્યારબાદ હુ ંઆ પ્રમાણે જંગલમાં રહું છું.' 'હે બ્રહ્મન ! આપ મારા જેવા પાપી પર કૃપા કરો. હું મારી પત્ની સહિત આપને શરણે છું. મારી ગરીબાઈનો નાશ થાય અને હું સુખી થાઉં એવું વરદાન આપો.'
ઉગ્રસેને પ્રસન્ન થઈને કહ્યું ઃ 'હે દુર્ભાગી શુદ્ર ! તે મારું સારી રીતે સ્વાગત કર્યું છે, એટલે તમારું બન્નેનું કલ્યાણ થશે. કોઈ પણ પ્રકારનાં વ્રત તીર્થાટન કે પ્રયત્ન કર્યા વિના તારાં બધાં દુઃખોનું નિવારણ કરવાનું મેં નક્કી કર્યું છે. આજથી તારા ભાગ્યનો ઉદય થશે. હવે પછીનો ત્રીજો માસ પુરુષોત્તમ માસ નામે આવશે. તે આખા માસ દરમિયાન તમારે દરરોજ દીવો કરવો. દીવો તલના તેલનો અથવા શક્તિ હોય તો ઘીનો કરવો. તમે જંગલમાં રહો છો, એટલે તેમ ન બની શકે તો ઈંગોળિયાના તેલનો દીવો કરવો. તમારે આ નિયમ એક મહિના સુધી પાળવો. તમારે દરરોજ સવારે પાસેના સરોવરમાં સ્નાન કરવું. સાયંકાળે શુદ્ધ ભોજન કરવું. તમારે બન્નેએ બ્રહ્મચર્યનું પાલન કરવું. આમ કરવાથી તમારાં બધાં દુઃખો દૂર થશે.'
બીજા કોઈ પણ માસમાં પૂણ્યકાર્ય કરવાથી આ માસના સોળમાં ભાગનું પણ ફળ પ્રાપ્ત થતું નથી. ચાંદ્રાયણ વ્રત, વેદાભ્યાસ, ગયાશ્રાદ્ધ, ગોમતીનો વાસ કે દંડકારણ્યના વાસથી પણ આ અધિક માસ જેટલું ફળ મળતું નથી. હે વત્સ ! દીપદાનથી ધન, પશુ અને પુત્ર-પૌત્રમાં વધારો થાય છે, વાંઝણી સ્ત્રીનું વાંઝિયામેણું ટળે છે. સૌભાગ્યવતીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રાજ્યભ્રષ્ટ થયેલાને રાજ્ય પાછું મળે છે અને મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કુમારિકાને લાંબા આયુષ્યવાળો પતિ મળે છે. પુરુષને સદ્ગુણી સ્ત્રી મળે છે, વિદ્યાર્થીને વિદ્યા મળે છે, તારે આ માસમાં દીવાનું દાન કરવું અને અખંડ દીવો રાખવો, તારી સેવાથી પ્રસન્ન થઈને મેં તને આ વ્રતનો મહિમા કહી સંભળાવ્યો છે. હવે હું વિદાય લઈશ.
આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ અંતરમાં શ્રીહરિનું ધ્યાન ધરતો પ્રયાગ યાત્રા કરવા રવાના થયો. રાજા અને તેની પત્ની ઉગ્રસેનને થોડેક સુધી જઈને વળાવી આવ્યાં. આશ્રમમાં પાછા ફરીને તેમણે ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં મન પેરાવ્યું. પુરુષોત્તમ માસ આવતાં તેમણે ઈંગોળિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. આખો મહિનો પૂરો થઈ જતાં બન્ને જણ પવિત્ર થઈને સ્વર્ગમાં ગયાં. ત્યાં બધાં સુખો ભોગવીને તેમણે આ મૃત્યુલોકમાં જન્મ લીધો.
અગત્સ્યમુનિ કહેવા લાગ્યા ઃ 'હે ચિત્રબાહુ ! આ મણિગ્રીવ રાજા તે જ તું. તારી આ પત્ની એ જ રાણીચંદ્રકળા. તમે પુરુષોત્તમ માસમાં અખંડ દીવો પ્રગટ રાખ્યો તેના ફળ રૃપે તમને આ રાજ્ય મળ્યું. ઘી કે તેલનો દીવો કરનારને તો તેનાથી પણ વધારે પૂણ્ય મળે છે. અધિક માસમાં દીપદાનનું આવું અપૂર્વ માહાત્મ્ય છે.' આમ કહીને મુનિ રાજાને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલવા લાગ્યા.

અધ્યાય : ૨૫ વ્રતનું ઉદ્યાપન
 દ્દઢધન્વાએ પૂછ્યું ઃ 'હે ઋષિ શ્રેષ્ઠ ! હવે આપ મને પુરુષોત્તમ માસનું વ્રત કરનારે તેનું ઉદ્યાપન કેવી રીતે કરવું તે જણાવવાની કૃપા કરો.'
વાલ્મીકિએ કહ્યું ઃ 'હે રાજન્ ! તારો પ્રશ્ન યથા સ્થાને છે, હું તેની ઉત્તમ વિધિ ટૂંકાણમાં કહી સંભળાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણપક્ષમાં ચૌદશ અથવા આઠમને દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું, સવારની બધી જ ક્રિયાઓ પતાવી દઈને યોગ્ય બ્રાહ્મણને પત્ની સહિત નિમંત્રણ આપવું, શક્તિ હોય તો પાંચ કે સાત બ્રાહ્મણોને બોલાવવા. ઘરમાં અર્ધો મણ દશ શેર, પાંચ શેર કે અઢી શેર જુદી જુદી પાંચ જાતનું અવાજ લાવીને પવિત્ર ભૂમિ પર મંડળ પુરાવવું. આ મંડળ પર સોના, રૃપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના ચાર ઘડા પધરાવવા, તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફુલો, ચંદન વગેરેથી પૂજા કરવી. પછી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યમ્ન અને અનિરૃદ્ધ એ મૂર્તિઓની ચારે દિશાએ સ્થાપના કરવી. ચાર બ્રાહ્મણો પાસે તેમનું પૂજન કરાવીને તેમને ભોજન વસ્ત્ર અને દક્ષિણા આપવાં. દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું. ચારે દિશામાં દીવા મૂકીને પત્ની સાથે ભગવાન પરુષોત્તમનું પૂજન કરવું. ''શ્રી વાસુદેવાય સ્વાહા'' એવો મંત્ર બોલીને હોમ કરવો. હોમ આપતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી- હે દેવ ! હે પુરણ પુરૃષોત્તમ શ્રી હરે ! મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો. હું આપને વિનયપૂર્વક નમસ્કાર કરું છું. પછી ભગવાનનું ધ્યાન ધરવું. પછી પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સાથેનું પાત્ર (વાસણ) દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. નિમંત્રિત બ્રાહ્મણોને વાછરડા સાથેની ગાયદાનમાં આપવી. તેલ અને ઘીનાં વાસણો પણ દાનમાં આપવાં. વસ્ત્રો આપીને તેમને શંકર- પાર્વતીની મૂર્તિનું દાન કરવું. શક્તિ હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવવું. અને દક્ષિણા આપવી. દાન દક્ષિણા આપવામાં ઢીલ કરવી નહીં. આમ કરનાર દુર્લભ એવા ગોલોકમાં જાય છે. પછી વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમની બે હાથ જોડીને ક્ષમા માગવી. પછી ગાય અને કૂતરાનો ભાગ કાઢીને વ્રત કરનારે કુટુંબ સૂપડાં, હળદર, કંકુ અને બંગડીઓ દક્ષિણમાં આપવી.'
વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન પુરુષોત્તમનું વિસર્જન કરવું. આ રીતે જે વ્રત કરે છે અને તેનું યથાવિધિ ઉદ્યાપન કરે છે તે સંસારના બધા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે.
હે રાજન્ ! નિયમો છોડવાની વિધિ પણ હું તને કહું છું તે સાંભળ ઃ

અધ્યાય : ૨૬ વ્રત છોડવાની વિધિ
 વાલ્મીકિએ કહ્યું ઃ 'જેણે આખા માસ દરમિયાન એકટાણું કર્યું હોય તેણે બ્રાહ્મણને જમાડીને નિયમ છોડવો. ત્રયચિત વ્રત કરનારે સોનાનું દાન આપવું, આ રીતનું વ્રત કરનાર વગર માગ્યે ભાણામાં જે વસ્તુ પીરસાય તે ખાઈ લે છે. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. આમળાના ઝાડ નીચે સ્નાન કરનારે દહી, દૂધનું દાન કરવું, જે ફળોનો ત્યાગ કર્યો હોય તે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા અને જમીન પર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈને રહેનારે બ્રાહ્મણને ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. હે રાજન્ ! જેણે નખ અને વાળ વધાર્યા હોય તેણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર આપવી. તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને આપવું. અને ચાળીસ માસા સોનું આપવું. એક જાતનું ભોજન કરનારે આઠ કળશ (લોટા કે ઘડા)નું દાન આપવું. જે એક જ જાતનું ભોજન કરે છે તેને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન કરનાર રાજા બને છે. સાયંકાળે ભોજન કરનારનાં બધાં પાપોનો નાશ થાય છે. આ માસમાં અડદનો ત્યાગ કરનાર નિષ્પાપ બનીને વૈકુંઠ લોકમાં જાય છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ત્યાં ઘણી પીલાવવી નહીં. તેમ કરનાર ચંડાળ યોનિમાં પડે છે અને રોગોથી પીડાય છે. સુદ અને વદની અગિયારસે ઉપવાસ કરનાર ગરુડ પર બેસીને વૈકુંઠમાં જાય છે, દેવો તેનું પૂજન કરે છે અને અપ્સરાઓ તેની સેવા કરે છે, શુદ્રને માટે દર્ભ ધારણ કરવાની મનાઈ છે. તેણે યજ્ઞાોપવિત ધારણ કરવી નહીં. પ્રણવમંત્રનો ઉચ્ચાર કરવો નહીં. આજ્ઞાાથી વિરૃદ્ધ જનાર રૌરવ નર્કમાં પડે છે, પછી તે મરઘો, ભૂંડ કે વાંદરો થઈને જન્મે છે. શુદ્ર બ્રાહ્મણને કેવળ નમસ્કાર કરવા. આમ કરવાથી તેનાં બધા પાપો દૂર થાય છે અને તેને તેનું ફળ મળે છે. 'હે ભૂપતે ! બ્રાહ્મણના વચન પ્રમાણે વર્તનાર જ શ્રીહરિના ચરણકમળ સુધી જઈ શકે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદ પામે છે.'
વાલ્મીકિ મુનિનાં આ વચનો સાંભળીને રાજાએ તેમની ભક્તિભાવથી પૂજા કરી. પતિ-પત્નીને આનંદ થયો.

અધ્યાય : ૨૭ પાપનું ફળ
 વાલ્મીકિએ રાજાને આશીર્વાદ આપ્યો ઃ 'હે રાજન્ ! તારું કલ્યાણ થાઓ. હવે હું પાપ નાશ કરનાર સરયું નદી તરફ જાઉં છું. આપણા બન્નેની વાતચીતમાં સંધ્યા પણ કાળ તરફ પાછી વળી. રાજાઓ ગુણસુંદરીને કહ્યું,'હે આર્યે ! આ સંસાર અસાર છે અને તેમાં મનુષ્યને કંઈ સુખ નથી. માયાના પાશમાં લપેટાયેલો આ દેહ ક્ષણભંગુર છે. હું ઈશ્વર સ્મરણ કરવા અને મોક્ષ મેળવવા માટે અરણ્યમાં જવા ઈચ્છું છું.'
પતિના આવા શબ્દો સાંભળીને ગુણસુંદરીએ બે હાથ જોડીને કહ્યું ઃ 'હે નાથ ! પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની સાથે જ રહેવું જોઈએ. એટલે હું આપની સાથે જ આવીશ. આપની સાથે આવવું તે મારો ધર્મ છે.' પત્નીના આ શબ્દો સાંભળીને રાજાને આનંદ થયો. તેણે તેની માગણીનો સ્વીકાર કર્યો. પુત્રને બધો કારભાર સોંપીને તે પત્ની સાથે વનમાં ગયો. તેણે પવિત્ર ગંગા નદીના કિનારે તપની શરૃઆત કરી. પરુષોત્તમ માસમાં ત્રણ વખત નદીમાં નહાઈને તે શ્રીહરિનું ધ્યાન ધરતો, તે હાથ ઊંચા કરીને પગના અંગુઠાના આધાર પર જ ઊભો રહીને આકાશ તરફ નજર કરીને શ્રીકૃષ્ણના નામનોજપ કરતો. તેની પત્ની સદાય તેની સેવામાં હાજર રહેતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં જ એક વિમાનને ત્યાં આવેલું જોઈને રાજાને આશ્ચર્ય થયું. વિમાનમાં બેઠેલાઓને રાજાએ પત્ની સહિત નમસ્કાર કર્યા. પાર્ષદોએ તેમને બન્નેને વિમાનમાં લઈ લીધા. આ રીતે બંને જણ ભગવાનની કૃપાથી શ્રીહરિના સહવાસમાં ગયા અને આનંદમાં રહેવા લાગ્યા.
ભગવાન નારાયણ કહેવા લાગ્યા ઃ 'હે નારદ ! આ માસના વ્રતનો બધો મહિમા કહી શકવા હું શક્તિમાન નથી. હજાર જન્મોમાં તપથી જે ફળ મળતું નથી તે આ અધિકમાસના સેવનથી મળે છે. એક વાંદરાએ અજાણપણે જ ત્રણ દિવસ સુધી સ્નાન કર્યું હતું. તેમ કરતાં તેનાં બધા પાપોનો નાશ થયો હતો. અને તે ગોલોકમાં વિમાનમાં બેસીને ગયો હતો. આ માસનું સેવન કરનારને જન્મ સફળ થાય છે.'
નારદે પૂછ્યું ઃ 'હે ભગવાન્ ! તે વાંદરો કોણ હતો અને તેણે કેવી રીતે વ્રત કર્યું, તે કહેવાની કૃપા કરો. તેણે ક્યાં સ્નાન કર્યું, તે શું ખાતો હતો અને તેને શું પૂણ્ય મળ્યું તે મને કહો. આપના મુખેથી કથામૃત સાંભળવા છતાં હું ધરાતો જ નથી.'
ભગવાન નારાયણે જવાબ આપ્યો ઃ 'કેરલ દેશમાં ચિત્રશર્મા નામનો એક લોભી બ્રાહ્મણ હતો તે ધનને સંઘરી રાખવાનું જ સમજતો હતો. તે સારું ખાવાનું ખાતો નહીં કે સારા વસ્ત્રો પણ પહેરતો નહીં. તે ભગવાનથી પૂજા કે જપ પણ કરતો નહીં. ધાર્મિક કાર્યોમાં તે એક પાઈ પણ વાપરતો નહીં. લોકોએ તેનાં આવા લક્ષણો જોઈને તેનું નામ 'કદરી' પાડયું હતું. તે જ્યાં જતો ત્યાંથી કરગરીને દક્ષિણા લાવતો. તે બધો પૈસો જમીનમાં દાટી દેતો. તેને ઓળખી ગયેલા લોકો તેનું અપમાન કરતા. લોકોના તિરસ્કારથી તે ઉદાસ થઈને ફરતો ફરતો શહેર બહાર બાગમાં એક માળી પાસે ગયો. આ માળી તેનો નાનપણનો મિત્ર હતો. તેને તેણે પોતાનું દુઃખ રડતાં રડતાં કહી સંભળાવ્યું ઃ ભાઈ ! આ શહેરના લોકો હંમેશાં મારું અપમાન કરે છે. તે કારણથી મને ત્યાં રહેવું ગમતું નથી. કંટાળીને હું આ વનમાં ફરૃ છું.'
બ્રાહ્મણના આ શબ્દો સાંભળીને માળીને દયા આવી. તેણે કહ્યું ઃ 'હે કદરી બ્રાહ્મણ ! તું આ બાગમાં રહે. માળીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણ બાગમાં રહેવા લાગ્યો, તે માળીનાં કહેલાં કામો કરતો. આથી માળીને તેનામાં વિશ્વાસ જાગ્યો. માળીએ તેને બાગનો બધો અધિકાર સોંપી દીધો. તે પોતે રાજ મંદિરમાં રહેવા ગયો. પેલો બ્રાહ્મણ સારાં સારાં ફળ ખાઈ જતો અને બાકીનાં વેચી દઈને પૈસા એકઠા કરતો. માળીએ એક દિવસ તેની ઉપજનો હિસાબ માગ્યો. બ્રાહ્મણે જવાબ આપ્યો ઃ 'હું ભિક્ષા માગવા માટે શહેરમાં જાઉં છું, ત્યારે પક્ષીઓ બધાં ફળ ખાઈ જાય છે. મેં કેટલાંક પક્ષીઓનો નાશ કર્યો છે. જુઓ... આ પડયાં તેમનાં બધાં પીછાં અને પાંખો.' રીતે તે લોભી બ્રાહ્મણે સત્યાવીશ વર્ષ પૂરાં કર્યા. છેવટે તે બાગમાં ને બાગમાં જ મૃત્યુ પામ્યો. તેને બાળવા માટે અગ્નિ કે લાકડાં પણ ન મળ્યા, તેનો બધો પૈસો અહીંનો અહીં જ પડયો રહ્યો ? યમદૂતો તેના પાપી જીવને લઈને યમલોકમાં ચાલવા લાગ્યા. પૂર્વે કરેલાં કર્મો માટે તે બ્રાહ્મણને પસ્તાવો થવા લાગ્યો. તેને થયું ઃ 'અરે ! આવો દુર્લભ માનવ દેહ મેળવીને મેં તેનો કશો સદુપયોગ ન કર્યો ! મેં કોઈ પૂણ્ય કામ ન કર્યું. મને ધિક્કાર છે, મેં કશું દાન પણ ન કર્યું. મેં કશાં વ્રત પણ ન કર્યા. મેં કોઈને સુખી પણ ન કર્યા.'
આખે રસ્તે તે આ રીતે વિલાપ કરવા લાગ્યો. યમદૂતો તેને યમરાજ પાસે લઈ આવ્યા. ચિત્રગુપ્તે તેનાં શુભા શુભ કર્મો જોવા માટે ચોપડો ઉઘાડયો. ચિત્રગુપ્તે કહ્યું ઃ 'આ ધનના લોભી બ્રાહ્મણે દુર્બુદ્ધિને લીધે સ્હેજ પણ પૂણ્યકાર્ય કર્યું નથી. બાગમાં રહીને પણ તેણે પાપાચરણ જ કર્યું છે. તે ચોર અને વિશ્વાસઘાતી છે, 'હે પ્રભો ! તેનાં બીજા પાપોની યાદી પણ ઘણી જ લાંબી છે.' ચિત્રગુપ્તનાં આ વચનો સાંભળીને યમરાજાએ ક્રોધાયમાન થઈને કહ્યું ઃ 'ફળોની ચોરી કરવાના બદલામાં તેને એક હજાર વખત વાનર યોનિમાં જન્મ આપો, કે જેથી તેને વિશ્વાસઘાતનું પણ ફળ મળે.'

અધ્યાય : ૨૮ બ્રાહ્મણ ગોલોકમાં જાય છે
 ધર્મરાજાની આ આજ્ઞા સાંભળીને ચિત્રગુપ્તે વિચાર કર્યો કે, આ બ્રાહ્મણ ધનનો લોભી અને ચોર છે, તેને પહેલાં તેનાં પાપોનું ફળ ભોગવવા માટે પ્રેતયોનિમાં મોકલવો જોઈએ. યમદૂતોએ તે બ્રાહ્મણને મારીને ફળ ન પાક્યાં હોય તેવા જંગલમાં નાખ્યો, ત્યાં ભૂખ અને તરસથી તે ઘણો જ દુઃખી થયો. પછીથી બીજા જંગલમાં તે કલંજર નામના પર્વત પર ઈન્દ્રકુંડની પાસે મૃગતીર્થમાં વાનર તરીકે જન્મ્યો.
બ્રાહ્મણની આ જન્મ કથા સાંભળીને નારદે પ્રશ્ન કર્યો ઃ 'હે ભગવાન ! આ બ્રાહ્મણ તો મહાપાપી હતો. તેનો આવો પવિત્ર તીર્થમાં કેવી રીતે જન્મ થયો ? હું આપનો શિષ્ય છું. તો આપ મારા મનની શંકાનું સમાધાન કરવાની કૃપા કરો.'
નારાયણે કહ્યું ઃ 'ચિત્રકુંડળ નામે એક વૈશ્ય હતો. તેની સ્ત્રીનું નામ તારકા. તે બંનેએ આખા અધિક મહિના સુધી વ્રત કર્યું. તેનું ઉદ્યાપન કરતી વખતે તેણે બ્રાહ્મણોને દાન દક્ષિણા માટે બોલાવ્યા. આ લોભી બ્રાહ્મણ પણ દક્ષિણાની લાલચે ત્યાં આવ્યો. તેને ભગવાન પુરુષોત્તમની પૂજાનાં દર્શન થયાં. પેલા વૈશ્યનાં ઘણાં ઘણાં વખાણ કરીને તેણે તેની પાસેથી દક્ષિણા મેળવી. પૈસો મેળવવાની લાલચે તેણે ભગવાન પુરૃષોત્તમની સ્તુતિ કરી તેના ફળ રૃપે તે આ મૃગતીર્થમાં જન્મ્યો છે.'
આ વનમાં ફળ, જળ અને ફુલો પુષ્કળ પ્રમાણમાં હતા. ભગવાન રામચંદ્રે રાવણનો વધ કરીને વાનરોને વરદાન આપ્યું ઃ 'હે સુગ્રીવ ! હે અંગદ ! હે જાંબુવાન ! તમે બધાએ મિત્રભાવે મારું કાર્ય કર્યું છે. હવે આ વાનરસેનાને જવાની આજ્ઞાા આપો. જ્યાં જ્યાં તમે રહેતા હશો ત્યાંના વૃક્ષો ફળ ફુલથી લચેલાં રહેશે, ત્યાંની નદીઓ અને ત્યાંના સરોવરો શીતળ અને અમૃત જેવાં પાણીનાં હશે.' રામચંદ્રજીની આ આજ્ઞાા સાંભળીને વાનરોએ વિદાય લીધી. જંગલમાં ખાવા પીવાનું કોઈપણ જાતનું દુઃખ નહોતું. પરંતુ વાનર તરીકે જન્મેલો આ બ્રાહ્મણ પૂર્વ જન્મના પાપોને લીધે પિત્તથી પિડાતો હતો, તે ફળો ખાઈ શકતો નહોતો. તેના મોંમાંથી લોહી અને પરૃ વહેતાં હતાં. તે ઝાડ પરથી બધા ફળોને તોડીને ભોંય નાખી દેતો હતો. તે દુઃખને લીધે એક જગ્યાએ બેસી પણ શકતો નહોતો. તેને એમ જ થયું હતું કે આના કરતાં તો મૃત્યુ વધારે સારું.
એક વખતે કૂદકો મારવા જતાં તે જમીન પર પડી ગયો. તેના દુઃખને લીધે તે રડવા લાગ્યો. તે જમીન પર પડી ગયો. તેનાથી કશું ખાઈ પણ શકાતું નહોતું. દેવયોગે આજ વેળાએ પુરુષોત્તમ માસ હતો. આવા અશક્ત શરીરે પણ તે ફરીથી ઝાડ પર ચઢ્યો. કૂદકો મારવા જતાં અશક્તિને લીધે તે સીધો કુંડમાં પડયો. થોડાક દિવસોમાં જ તે કુંડને કિનારે મરણ પામ્યો. તેણે આખા મહિના સુધી નિરાહાર ઉપવાસ કર્યા હતા, એટલે તેના જીવાત્માને લેવા માટે ભગવાન વિષ્ણુના દૂતો હાજર થયા. વિમાનમાં બેસીને તે ભાગ્યશાળી વાનર વૈકુંઠલોકમાં ગયો. તે વિચાર કરવા લાગ્યો ઃ મારા જેવા મહાપાપીને આવું વિમાન ક્યાંથી મળ્યું ?
ભગવાનના દૂતોને જોઈને વાનરે પૂછ્યું ઃ 'મારાં ક્યાં સત્કર્મોને લીધે મન ેઆ બધું સુખ મળે છે ?' પાર્ષદોએ કહ્યું ઃ 'તે અજાણપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે, તેના ફળરૃપે તું વૈકુંઠલોકમાં જાય છે. વાનરનો દેહ હોવા છતાંય તે આ વ્રત કર્યું છે, આ પ્રમાણે કહીને તેમણે તેના આત્મા પર પુષ્પવૃષ્ટિ કરી.'
બ્રાહ્મણના આત્માને ભગવાન વિષ્ણુના પાર્ષદોના આ વચનો સાંભળીને ઘણો જ આનંદ થયો. તે વૈકુંઠલોકમાં ગયો. ત્યારે દેવલોકોએ પણ તેની પૂજા કરી અને અપ્સરાઓ તેની સેવામાં હાજર રહેવા લાગી.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें