रविवार, 16 सितंबर 2012

પુરૃષોત્તમ માસ કથા 16-20


અધ્યાય : ૧૬ સુદેવને આશ્વાસન 
વાલ્મીકિ કહેવા લાગ્યા ઃ 'હે દ્દઢધન્વા ! આ પ્રમાણે વરદાન મેળવીને સુદેવ ઘેર ગયો. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. તેણે દસમે મહિને એક પુત્રનો જન્મ આપ્યો. સુદેવને ઘણો આનંદ થયો. તેણે પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું. તેણે પુત્રનું નામ 'શુકદેવ' રાખ્યું.'
દિવસે દિવસે પુત્ર મોટો થવા લાગ્યો, સુદેવે તેને જનોઈ દીધી. ગાયત્રીનો ઉપદેશ લઈને બાલ શુકદેવ બ્રહ્મચર્ય પાળીને વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. તે તીવ્ર બુદ્ધિવાળો હોવાથી થોડા જ સમયમાં બધાં શાસ્ત્રોમાં પારંગત થયો. તેના ગુરુ પણ તેના પર પ્રસન્ન રહેતા. ગુરુને મોંએથી એક વખત સાંભળેલી વાણી તેને સદાને માટે યાદ રહી જતી.
એક વખત તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે વંદન કરીને તેમની પૂજા કરી. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. શુકદેવે પણ તેમનું વિધિ અનુસાર પૂજન કર્યું.
આ જોઈને દેવલ ઋષિએ કહ્યું ઃ 'હે સુદેવ ! શ્રી હરીની કૃપાથી તને આવો સુંદર પુત્ર મળ્યો છે. તેના જેવો બુદ્ધિશાળી અને વિનયી પુત્ર મેં ક્યાંય જોયો નથી.' આમ કહીને તેમણે તેની હસ્તેરેખાઓ જોઈ. સુદેવે પૂછ્યું ઃ 'હે મહારાજ તેની રેખાઓ પરથી આપને શું જણાય છે ?'
ઋષિએ કહ્યું ઃ 'તારો આ પુત્ર સદ્ગણી અને સર્વ રીતે યોગ્ય થશે. પરંતુ તને જાણીને દુઃખ થશે કે તારો આ પુત્ર બારમે વર્ષે પાણીમાં ડૂબી જઈને મરણ પામશે. ભવિષ્યમાં જે લખ્યું હોય તે પ્રમાણે બન્યા કરે છે. એટલા માટે તારે તેનો શોક કરવો નહીં.'
આમ કહીને દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. સુદેવ મૂર્છાવશ થઈને જમીન પર પડયો, ગૌતમીએ પોતાના પતિના મસ્તકને ખોળામાં લીધું અને દિલાસો આપવા લાગી ઃ 'હે સ્વામી ! ભવિષ્યમાં લખેલું મિથ્યા થતું નથી. નળ, રાજા, રામચંદ્રજી અને યુધિષ્ઠર જેવા ધર્મીઓને પણ દુઃખ ભોગવવા પડયાં છે. દશરથ રાજાને પણ પુત્રનો વિયોગ સહન કરવો પડયો હતો. આવા તો બીજા કેટલાય દાખલાઓ છે. હે નાથ ! ઊભા થાઓ અને શ્રીહરિનું સ્મરણ કરો. બધાનાં દુઃખ દૂર કરનાર શ્રીહરિ આપણું દુઃખ પણ જરૃર દૂર કરશે.'
પત્નીના આવાં વાક્યો સાંભળી બ્રાહ્મણને કંઈક શાંતિ વળી, તેનો શોક પણ દૂર થયો.

અધ્યાય : ૧૭ શુકદેવનું મૃત્યુ 
વાલ્મિકી ઋષિ કહેવા લાગ્યા ઃ 'હે દ્દઢધન્વા ? ગૌતમીના આવાં વચનો સાંભળીને તે બ્રાહ્મણે તેનું ચિત્ત ઈશ્વર સ્તવનમાં પરોવ્યું. !' થોડાક સમય પછી તે સમધિ, દર્ભ અને પુષ્પો લેવા માટે વનમાં ગયો. બીજી બાજું તે જ સમયે તેનો પુત્ર તેના મિત્રો સાથે એક વાવ તરફ ગયો. વાવના પાણીમાં રમતાં રમતાં તે ઊંડા પાણીમાં ઉતરી ગયો, મિત્રોને છેતરવા માટે તેણે ડૂબકી મારી, તેણે ઉપર આવવા માટે ઘણો જ પ્રયત્ન કર્યો ઃ પરંતુ તે ગૂંગળાઈને વાવમાં જ મરણ પામ્યો.
ઘણીવાર સુધી રાહ જોવા છતાં શુકદેવ બહાર ન આવ્યો. તેના મિત્રો ગભરાઈને તેની માતા પાસે દોડયા. ત્યાં સુદેવ પણ ઘેર આવી પહોંચ્યો હતો. શોકાતુર થયેલાં પતિ-પત્ની રૃદન કરતાં વાવ તરફ દોડયાં. તેમણે લોકોએ બહાર કાઢી રાખેલું શુકદેવનું શબ જોયું અને બન્ને જણ ચોધાર આંસુએ રડવા લાગ્યાં. સુદેવે ગળગળા થઈને કહ્યું ઃ 'હે પુત્ર ! તું બે શબ્દો તો બોલ તારા મિત્રો તને ભણવા માટે બોલાવે છે. હું તને મૂકીને કદિ પણ ઘરે જવાનો નથી, ઈશ્વર મને મારાં પાપોની શિક્ષા કરતો હશે ? હે પ્રભો તે મારા વહાલા પુત્રને શા માટે નિર્દયતાથી છીનવી લીધો ?'
'
હે પુત્ર ! તારૃં આવું સુંદર મોં હું ક્યાં જોઈશ ? તું આજે અમને પૂછ્યા વિના આટલે સુધી કેમ આવ્યો ? પુત્રનો વિયોગ થતાં દશરથ રાજાએ પ્રાણ છોડયા હતા. મને ધિક્કાર હજો કે હું હજી જીવું છું. હે ગોવિંદ ! હે શ્રીકૃષ્ણ ! મારા પર અમી નજર રાખો. ભગવાન વિષ્ણુના ના કહ્યા છતાં તમેં પુત્ર હઠ લીધી હતી, તેનું આ પરિણામ છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે '

અધ્યાય : ૧૮ શુકદેવને જીવતદાન
 સુદેવ અને ગૌતમી આ પ્રમાણે કલ્પાંત કરતાં ત્યાં ઘણા દિવસ સુધી બેસી રહ્યાં. એટલામાં ચોમાસું ન હોવા છતાં દશે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. વીજળીના ગડગડાડ સાથે મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. આવા વરસાદમાં પતિ-પત્ની પાણી પણ પીધા સિવાય એક માસ સુધી બેસી રહ્યાં. પુત્રના શોકને લીધે તેમને કશી ખબર પડી નહીં. તે તો લાંબા અવાજે 'પુત્ર ! પુત્ર ! એમ બોલતાં હતાં.' અજાણપણે તે એક માસ સુધી આ પુરુષોત્તમ માસમાં નિરાહર રહ્યાં. તેમના ફળ રૃપે તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા. પતિ-પત્નીએ તેમને દંડવત્ નમસ્કાર કર્યા. સુદેવે શ્રી કૃષ્ણ શરણં મમઃ ના મંત્રનું ધ્યાન ધર્યું.
પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણે કહ્યું ઃ 'હે સુદેવ ? તને ધન્ય છે, હું તારૃં ભવિષ્ય કહી સંભળાવું છું તે સાંભળ. તારો આ પુત્ર સજીવન થશે અને બાર હજાર વર્ષ સુધી જીવશે, હું તને માર્કેડેય મુનિએ રઘુરાજાને કહેલી એક આખ્યાયિકા કહી સંભળાવું છું ઃ-'
પહેલાંના સમયમાં ધનુર નામના એક ઉદાર ઋષિ હતા. તેમને લોકોનાં દુઃખ જોઈને ઘણું જ લાગી આવ્યું. પોતાનો પુત્ર અમર થાય એવી ઈચ્છાએ તેમણે બાર હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. દેવતાઓએ પ્રસન્ન થઈને તેમને વરદાન માગવાનું કહ્યું, ઋષિએ હાથ જોડીને કહ્યું,'મને બુદ્ધિશાળી અમર પુત્ર આપો.' દેવોએ કહ્યું. 'તમે માગો છો તેવો પુત્ર આ ભૂલોકમાં ન હોઈ શકે.' ઋષિએ કહ્યું ઃ તેમ ન થઈ શકે તો આ સામેનો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવે તેવો પુત્ર આપો. 'દેવોએ કહ્યું ઃ 'તથાસ્તુ' સમય જતાં મુનિને ત્યાં દેવાંશી પુત્ર અવતર્યો. ઉંમર લાયક થતાં મુનિએ પુત્રને કહ્યું ઃ 'હે વત્સ ! તારે કદાપી ઋષિઓનું અપમાન ન કરવું. તેમના શાપથી તારું કલ્યાણ નહિ થાય.' આ રીતે શિખામણ આપેલી હોવા છતાં તે ઉદ્વત બની ગયો અને વારંવાર બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો.'
મહિષ નામે એક ક્રોધી મુનિ આશ્રમમાં શાલિગ્રામની પૂજા કરતા હતા. તે પુત્રે ત્યાં જઈને મૂર્તિ લઈ કૂવામાં નાખી દીધી. આ જોતાં જ ઋષિએ શાપ આપ્યો ઃ 'તારું અત્યારે જ મરણ થાઓ. શાપ આપ્યા પછી પણ તેને જીવતો જોઈને મુનિને નવાઈ લાગી તેમણે સમાધી લગાવીને બધી હકીકત જાણી લીધી. ઋષિનાં લાંબા લાંબા નિઃશ્વાસમાંથી કરોડો મહિષો (પાડા) જન્મ્યા, અને તેમણે પર્વતના ટૂકડે ટૂકડા કરી નાખ્યા. તેની સાથે જ તે મદાંધ ઋષિ પુત્ર પણ મરણ પામ્યો. પુત્ર શોકમાં વિલાપ કરતાં તે મુનિએ અગ્નિમાં પડી પ્રાણ ત્યાગ કર્યો.'
શ્રી કૃષ્ણે સુદેવને કહ્યું 'હે સુદેવ ? આ રીતે જે હઠ કરીને પુત્ર મેળવે છે. તેને સુખ મળતું નથી. માટે તું હવેથી હઠ કરીશ નહીં. તારા પુત્રને મેં દીર્ઘાયુષ આપ્યું છે, તે તને સુખ આપશે. પુરુષોત્તમ માસના પ્રભાવથી તું બ્રહ્મલોકમાં જઈશ. હે દ્વિજોત્તમ ! બાર હજાર વર્ષ પછી તું પૃથ્વી પર અવતાર લઈશ. તું ચક્રવર્તી રાજા દ્દઢધન્વા બનીશ અને તારી પત્ની રાણી ગુણસુંદરી બનશે. તું ચાર પુત્રો અને એક પુત્રીનો બાપ બનીશ અને રાજ વૈભવ ભોગવીશ. તું સુખવિલાસમાં ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ. પોપટ રૃપે જન્મેલો તારો પુત્ર શુકદેવ તને જંગલમાં વારંવાર એક શ્લોક સંભળાવશે. વાલ્મીકિ ઋષિ તને તેનું રહસ્ય કહેશે. પછી તું પરિવાર સહિત શ્રીહરિને શરણે વૈકુઠલોકમાં જઈશ, ત્યાંથી તારે ફરીથી ભૂલોકમાં આવવાનું નહીં થાય.' એટલામાં તો સુદેવનો પુત્ર ઊભો થયો અને દોડતો આવ્યો. પુત્રને સજીવન થયેલો જોઈને તેમને આનંદ થયો. દેવોએ પણ પ્રસન્ન થઈને આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી.
સુદેવે બે હાથ જોડીને કહ્યું ઃ 'હે હરિ ! મારા તપથી પ્રસન્ન થઈને આપે મને કહ્યું હતું કે, હું અપુત્ર રહીશ. આમ હોવા છતાંય આપે મારા મૃત્યુ પામેલા પુત્રને સજીવન કર્યો તેનું કારણ શું ?'

અધ્યાય : ૧૯ દઢધન્વાની પૂર્વ કથા
 ભગવાન પુરુષોત્તમ કહેવા લાગ્યા ઃ 'હે બ્રાહ્મણ ! તે જે કહ્યું છે તે બીજા કોઈથી થઈ શકે તેમ નથી. હું તારા પર પ્રસન્ન થયો છું તું અને તારી સ્ત્રી બન્નેએ આખો માસ અન્નજળનો ત્યાગ કર્યો હતો, તમે બંને પુત્ર શોકમાં હોઈ તમને આ પુરૃષોત્તમ માસ હતો તેની પણ ખબર નહોતી. આ ઉપવાસનું તમને પૂણ્ય મળ્યું છે.' 'હે સુદેવ ! આ માસમાં ઉપવાસ કરનારનાં બધાં પાપ બળીને ખાળ થઈ જાય છે. વળી તને તો આખા માસમાં અભ્રસ્નાનનું પણ પૂણ્ય મળ્યું છે. પુરુષોત્તમ માસનું સેવન કરનાર મને ખૂબ જ પ્રિય છે.'
એક વખત બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધાં સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. અધિકમાસનું વ્રત વધારે ફળ આપનાર જણાયું. પછી દેવોએ નક્કી કર્યું કે, અધિકમાસના વ્રત જેવું બીજું એકે વ્રત નથી. તે ઘણાં જ દુઃખો વેઠયાં છે. તને આ વ્રતનો લાભ મળ્યો છે. તેના ફળ રૃપે મેં તને પુત્ર સુખ આપ્યું છે. આમ કહીને શ્રીહરિ ગરુડ પર સવાર થઈને વૈકુંઠલોકમાં પધાર્યા.
પુત્રને જીવતો થયેલો જોઈને પતિ પત્નીને આનંદ થયો. તેમણે પરમાત્માનું વિધિ અનુસાર પૂજન કર્યું. પુરુષોત્તમ માસ આવતાં તેમણે તેનું સંપૂર્ણ વ્રત કર્યું, બન્નેને ઘણું જ સુખ મળ્યું. સુદેવ પત્ની સાથે વૈકુઠમાં ગયો. બાર હજાર વર્ષ પછી તેઓ વૈકુંઠમાંથી પૃથ્વી પર અવતર્યા.
વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા ઃ 'હે રાજા ! તું આ સુદેવ બ્રાહ્મણનો અવતાર છે. આ જે તારી પટરાણી છે, તે ગયા જન્મમાં તારી પત્ની ગૌતમી હતી, આ પોપટ તારો પુત્ર શુકદેવ જ છે. તે જાણી શકે છે કે તું તેનો પિતા છે. તે તારી આગળ આ શ્લોક બોલે છે, હે રાજન ! તે મને ઉપદેશ આપીને બંધન મૂક્ત કરવા ઈચ્છે છે.'
દઢધન્વા રાજાની શંકાને મહર્ષિ વાલ્મીકિએ તેના પૂર્વ જન્મની આ કથા કહીને દૂર કરી.

અધ્યાય : ૨૦ વ્રત કરવાની વિધિ
 પોતાના પૂર્વજન્મની કથા સાંભળીને દઢધન્વીએ વાલ્મીકીને પૂછ્યું ઃ 'હે મુનિ શ્રેષ્ઠ ! મેં ગયા જન્મમાં આ પવિત્ર માસનું વ્રત કર્યું હતું. પરંતુ તેની બધી વિધિ હું ભૂલી ગયો છું. એટલા માટે મને આ માસની બધી પૂજા-વિધિ વિસ્તારપૂર્વક કહી સંભળાવો.'
વાલ્મીકીએ કહ્યું ઃ 'હે રાજન ! પુરુષોત્તમ માસની પૂજા-વિધી આ પ્રમાણે છે. સવારમાં વહેલા ઉઠીને સ્નાન શૌચનથી પરવારીને ઈશ્વરનું ધ્યાન ધરવું. રવિવારે દાતણ કરવાની મનાઈ છે, એટલે ચોકખા પાણીથી બાર કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થસ્થાનમાં સ્નાન કરવું. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ પ્રકારનું છે. ઘેર કરેલું સ્નાન સૌથી હલકા પ્રકારનું છે. વ્રત આચરનારે પવિત્ર વસ્ત્રો પહેરવા જોઈએ કપાળમાં ચંદનનું તિલક કરવું જોઈએ, તિલકમાં ભગવાન શંકર પાર્વતી સાથે રહે છે. શિખા બાંધવી જોઈએ. દર્ભ ધારણ કરવો જોઈએ. પાપોનો નાશ કરવા માટે ભગવાનનાં ચારે ચિહ્નો-શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવાં જોઈએ. સૂર્ય ઊગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો.
આટલી વિધિ પૂરી કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૃઆત કરવી. બેસવાની જગાને ગાયના છાણથી લીંપવી, તેના પર સોના, રૃપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં બધી નદીઓમાં સ્મરણ કરીને તેમની સ્થાપના કરવી. કળશની ચંદન, ચોખા, ફૂલો ઈત્યાદીથી પૂજા કરવી. પછી તેને તરભાણથી ઢાંકી દઈને તેના પર પીળું વસ્ત્ર મનુષ્યના આયુષ્યનો ભરોસો નથી, લક્ષ્મી પણ ચંચળ હોય છે, યુવાની પણ કાયમ માટે રહેતી નથી, અને જગતના બધા પદાર્થો અમર નથી. એમ સમજીને મનુષ્યે ધર્મનું પાલન કરવું જોઈએ. સગા અને સ્નેહીઓ આપણને મદદ કરી શકતાં નથી. માત્ર ધર્મ જ મદદ કરી શકે છે. દિવસે દિવસે મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એટલે મનુષ્યે આત્માના કલ્યાણ માટે ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. પુરુષોત્તમ, ભગવાનની પૂજા એ જ સૌથી સારો માર્ગ છે, આ માસમાં થોડા ધનનું દાન કરનારને પણ ઘણું જ પુણ્ય મળે છે.
આ માસમાં સ્નાન દાન, જપ અને પૂજન કરવાં અને પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી, બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. બધાં દાનોમાં વિદ્યાદાન ઉત્તમ છે, અને બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત ઉત્તમ છે. આ પુરુષોત્તમ માસના વ્રતમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે. બધી નદીઓ ગંગા જેટલી પવિત્ર હોતી નથી, બધાં વૃક્ષો કલ્પવૃક્ષ જેવાં હોતાં નથી, બધાં રત્નો ચિંતામણી જેવાં હોતાં નથી. તેવી જ રીતે બધાં વ્રતો પુરુષોત્તમ માસના વ્રત જેટલાં ફળ આપનાર હોતાં નથી. સંસાર સાગરને તરી જવાની ઈચ્છા રાખનારે આ માસમાં પુરુષોત્તમ માસની કથા સાંભળવી અને તેનું વ્રત આચરવું. બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી.'પુરુષોત્તમ માસમાં દાનનું માહાત્મ્ય !

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें