રાધાએ કહ્યું ઃ
''નારદજી - જો મારા
પગ નીચેથી ધૂળથી કાનજીના પેટનો દુઃખાવો મટી જતો હોય તો એક ભવ
તો શું સાત સાત ભવ સુધી નરકની યાતના ભોગવવા હું તૈયાર છું.''
રાજા હરિશ્ચંદ્ર, દાનમાં
દાનેશ્વરી કર્ણ, રાજનીતિમાં ચાણક્ય, બાણવિદ્યામાં બાણાવળી
અર્જુન, ક્રોધમાં
દુર્વાસા અને ભક્તિમાં શ્રી હનુમાનજીનાં નામો ફટાફટ
બધાના મોંઢે આવી જાય. તો પ્રેમમાં પ્રથમ નંબર કોનો આવે? આ
પ્રશ્નના જવાબમાં કબીર સાહેબ આપણી મદદે આવે છે ઃકબીરા કબીરા ક્યા કરો,
જાઓ જમના કે તીર,
એક રાધા કે પ્રેમમેં,
બહ ગયે લાખ કબીર.
રાધા એટલે પ્રેમની ધારા. પ્રેમ કશું લેતો નથી, પ્રેમ કશું આપતો નથી, પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે એ વ્યાખ્યા રાધાએ સાબિત કરી બતાવી. ઝંખના અને ઝુરાપો એ બંનેનો સરવાળો કરો એટલે રાધા. પ્રેમ, ભક્તિ, કરુણા, વિરહ, રીસામણાં, સૌંદર્ય અને ગીતના ગુણાકાર કરો અને જે જવાબ આપે તે રાધા. સ્વાર્થ, કપટ, છળ, દોષ અને ભુલોના ભાગાકાર કરી નાખો પછી 'શેષ'-માં જે શૂન્ય આવે એનું નામ જ રાધા. 'શૂન્ય'- એ પૂર્ણ છે. વેદો સાક્ષી પૂરે છે ઃ-
ઁ પૂર્ણમદઃ પૂર્ણમિદં,
પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે,
પૂર્ણસ્ય પૂર્ણમાદાયા,
પૂર્ણમ્ એવાવશિષ્યતે.
પૂનમના પૂર્ણ ચંદ્ર જેવો શુદ્ધ પ્રેમ, સ્વાતિ નક્ષત્રના વર્ષાબિંદુ માટે છીપની પ્રતીક્ષા જેવો આશાવાદ, કોયલ અને મયૂરના ટહુકા જેવી સો ટચના સોના જેવી મધુરિમા, પહેલા પહેલા વરસાદની માટીની મધમધતી ફોરમ જેવી સુગંધનો દરિયો અને કેસૂડાની લાલિમા આ બધું ભેગુ થાય ત્યારે જે આકાર સદેહે સાકાર ઔથાય તે રાધા.
છે ઘણા એવા કે યુગને પલવાટી ગયા,
બહુ ઓછા છે કે જે પ્રેમમાં ફાવી ગયા.
બહુ ઓછા છે એમાં રાધાનો સમાવેશ થાય છે. પ્રેમ કરી શકાતો નથી - એ થઈ જાય છે. આઠ આઠ મહાપટરાણીઓ હોવા છતાં શ્રીકૃષ્ણની આગળ જે ''રાધા-કૃષ્ણ'' - શબ્દ લાગ્યો એ પ્રેમની પરાકાષ્ટાનો પુરાવો છે - માટે જ સૌ કહે છે ને કે ઃ
બિન રાધે, શ્રીકૃષ્ણ આધે
રાધા શ્રીકૃષ્ણના પ્રેમમાં ઓતપ્રોત કેટલી હદે હતી તે આવો એક ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ. તમે નદિ કિનારે સાક્ષીભાવે બેઠા છો. તમે નદીને પ્રશ્ન પૂછો છો કે હે! તું ક્યાં જાય છે? નદી જવાબ આપે છે ઃ હું સાગરને મળવા જઉં છું. તમે કહો છો કે હે નદી તું સાગરને મળવા ભલે ખુશીથી જા, પરંતુ સાગરને મળ્યા પછી ફરી અહીં પાછી આવીને મને તું એટલું તો કહી જજે કે સાગર કેવો છે? નદી સાગરમાં ભળી ગઈ. પોતાનું સમગ્ર અસ્તિત્ત્વ સાગરમાં ભેળવી દીધું. હવે એ નદી ખુદ નદી નથી પણ ખુદ સાગર બની ગઈ. રાધા આ રીતે શ્રીકૃષ્ણમય બની પ્રેમના દરિયામાં ગરકાવ થઈ ગઈ. સાગરમાં ભળી ગયેલી નદીને પછી પ્રેમ અલગ નથી કરી શકતી એમ પછી રાધાને શ્રીકૃષ્ણથી અલગ કરી શકાતી નથી. આને કહેવાય પ્રેમ. કોઈ શાયરે એટલે જ કહ્યું છે ને કે ઃ
યે ઈશ્ક નહીં આસાન,
ઈતના તો સમજ લીજે,
એક આગકા દરિયા હૈ
ઔર ડૂબકે જાના હૈ!!
રાધામાં ગુલાબના પુષ્પોની ગરિમા હતી, મોગરાની મહેંક હતી, પારિજાતના પુષ્પોની પવિત્રતા હતી, કમળ જેવી નિર્લેપતા હતી, લજામણીના છોડ જેવી નજાકત હતી, સૂર્યમુખી જેવી પ્રતિભા હતી, રાતરાણી જેવો ઠસ્સો હતો, જાસૂદ જેવું જીવન હતું એ બધા અર્થમાં રાધા ખુદ પ્રેમનું એક પુષ્પ હતી, જેની સુવાસ હજારો વર્ષો પછી સંસ્કાર અને સંસ્કૃતિ સ્વરૃપે આજે પ્રસરી રહી છે. એનો સાંવરિયો હતો પણ એવો. કેવો?
સાંવરિયો રે મારો સાંવરિયો,
હું તો ખોબો માગું ને એ દઈ દે દરિયો...
સામા પક્ષે શ્રીકૃષ્ણ પણ એવા જ હતા ને! પ્રેમનો થનગનાટ બંને પક્ષે હતો. એક સૂર અને એક તાલ. એક થડ અને એક ડાળ. આ એવો પ્રેમ હતો જ્યાં જ્ઞાાન પાણી ભરે.
હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં
જ્ઞાાન ઓછાં છે,
ન પરવા માનની,
તો યે બધાં સન્માન ઓછાં છે.
રાધા અને કૃષ્ણનો પ્રેમ એવો છે જેની કોઈ વ્યાખ્યા જ નથી કારણ કે વ્યાખ્યાનું બંધન પ્રેમને નડતું નથી. રાધાને સમજવા કૃષ્ણથી આઘા ન જવાય અને રાધાના પ્રેમને તો જગતની કોઈ બાધા નડી જ નથી. રાધા જેવો પ્રેમ પામવા અને આપવા બાધા (માનતા) રાખવી પડે એવા વિધાતાના લેખ જેવી રાધાને વંદન કરવા ઘટે.

