शुक्रवार, 8 मार्च 2013

શ્રીફળ

દેવ મંદિરે જઈએ ત્યારે દરવાજા પાસે એક પત્થર શ્રીફળ વધેરવા માટે નિયત કરેલ હોય છે. ૫૦ શ્રીફળ સારા નીકળે પણ તેમાંથી બે ચાર શ્રીફળ સડેલાં, બગડેલા પેલા પત્થરની આજુબાજુ પડેલાં દેખાશે જેમાંથી દુર્ગંધ આવતી હોય છે.
વેપારીને ત્યાંથી ખરીદતી વખતે વેપારી કોઈ ગેરેન્ટી આપતો નથી તે કહેશે તમારે હાથે તપાસ કરી લઈ જાઓ. આપણે શ્રીફળ કોથળામાંથી નાનાં મોટાં શ્રીફળ તપાસીએ પાણી છે કે નહિ તેની તપાસ કરવા કાન ઉપર રાખી હલાવીએ ત્યારે અંદર રહેલું પાણી બોલે, 'સારું છે લઈ જાઓ' બાજુમાં ઉભેલો બીજો ગ્રાહક કહે સારું છે લઈ જાઓ શ્રીફળના છોતરા, તેની આંખો બધું બરાબર હોવા છતાં અંદર કેવું હશે તેની કોઈને ખબર નથી હોતી અને પ્રેમથી શ્રદ્ધાથી પ્રભુને અર્પણ કરવા આ શ્રીફળને થાળીમાં મૂકી પહોંચ્યા મંદિરે દરવાજામાં સૂચના છે 'શ્રીફળ અહિં વધેરવા' અને પેલા પત્થર સુધી શ્રીફળ પહોંચી ગયું એક હાથ ઊંચો કરી જોરથી ફટકો મારતાં અંદરનું ગંદુ બગડેલું પાણી બહાર આવ્યું. આમ આ બગડેલું શ્રીફળ મંદિર સુધી પહોંચવામાં સફળ રહ્યું પણ મંદિરના દેવ જાણે છે એ શ્રીફળ કેવું હતું પણ પ્રભુ એવા બગડેલા. શ્રીફળને મંદિરમાં આવવા દેતા નથી કારણ બહાર મૂકેલો પેલો પત્થર સાચા ખોટાની પરીક્ષા કરી સાચા સારા શુદ્ધ શ્રીફળને જ મંદિરમાં જવા દે છે.
આપણા સૌમાં કોઈ કોઈ પેલા શ્રીફળ જેવા જ લોકો છે એ ભગવાન જાણે છે ઉપરથી પવિત્ર દેખાતા કપાળે તિલક કરેલા તુલસીની માળા પહેરી પાખંડી સાધુ બાવાઓ જલદી ઓળખાતા નથી અને તેમના પાખંડ ચાલે છે ઘણા અંધ શ્રદ્ધાળુઓ તેમની પાછળ દોડે છે અને જ્યારે એ બગડેલા શ્રીફળો પત્થર ઉપર પટકાય ત્યારે ભંડો ફૂટે છે. કોઈ બે નંબરીયા વેપારીઓ, લાંચીયા અમલદારો ભ્રષ્ટાચારી નેતાઓ ઘી માવો અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી ધાર્મિક ઢોગ કરી મંદિર સુધી પહોંચે છે આ સડેલા શ્રીફળો ક્યારેક તો તેમની પોલ ખૂલે છે અને આ બગડેલા શ્રીફળ મંદિર સુધી પહોંચવા છતાં પ્રભુ પામી શકતા નથી. આત્મ સાક્ષાત્કાર કરી શકતા નથી. અરે, એવા પાખંડીઓમાંથી કેટલાક ભગવાનના મંદિરોમાં ચોરીઓ પણ કરે છે અને છેવટે પકડાઈ જેલની હવા પણ ખાય છે. આ બગડેલા શ્રીફળ હવે આપણે પેલા બગડેલા શ્રીફળ જેવા થવું છે કે શુદ્ધ પવિત્ર થઈ પ્રભુ ચરણે શીશ નમાવવું છે તે પોતે જ નક્કી કરવાનું છે. પણ જો ધ્યાન રાખશો બગડેલા શ્રીફળ પેલા પત્થર સુધી જ પહોંચે છે દરવાજાની અંદર પહોંચતા નથી અને જીંદગીભર પ્રભુદર્શનથી વંચીત જ રહે છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें