सोमवार, 10 सितंबर 2012

પુરુષોત્તમ અઘ્યાય 10-15


અઘ્યાય : ૧૦ ભગવાન શંકરની આરાધના

નારદે પૂછ્‌યું : હે નારાયણ ! દુર્વાસા મુનિએ તે કન્યાને શું જવાબ આપ્યો તે અમને કહેવાની કૃપા કરો.
સૂતપુરાણી આગળ કહેવા લાગ્યા હે મુનિઓ ! દુર્વાસાએ તે કન્યાનું દુઃખ દૂર કરવા માટે શું કહ્યું તે હું તમને કહું છું. તેમણે કહ્યું ઃ હે સુભગે ! હું તને તારા દુઃખનો ઉપાય બતાવું છું. આજથી ત્રીજો મહિનો પુરુષોત્તમ નામનો આવે છે. આ માસમાં તીર્થસ્નાન કરનાર બ્રહ્મહત્યામાંથી મુક્ત બને છે. ગંગાનદીમાં બાર હજાર વર્ષ સુધી સ્નાન કરનારને જે ફળ મળે છે, તે જ ફળ આ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરનારને મળે છે.
પુરુષોત્તમ માસનું સેવન કરનારના બધા મનોરથો સિદ્ધ થાય છે. માટે તારે એ માસનું વ્રત કરવું. એક વખત હું અંબરીષ રાજા પર ક્રોધાયમાન થયો હતો. તેને બાળી નાખવા મેં જવાળા ઉત્પન્ન કરી હતી. પરંતુ તેણે ભઘવાનનું સ્મરણ કર્યું. ભગવાને તેના રક્ષણ માટે સુદર્શન ચક્ર મોકલ્યું. આ સુદર્શન ચક્રે મારી જ્વાળાનો નાશ કર્યો. આ ચક્રે મારો નાશ કરવા માટે મારો પીછો પકડ્યો. મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું એટલે છૂટકારો થયો.
ૠષિનાં આ વચન સાંભળીને મેઘાવતીએ કહ્યું ઃ મહારાજ ! પૃથ્વી ઉપર સૂર્ય, ગણપતિ, જગદંબા શંકર વગેરે સાક્ષાત દેવ-દેવીઓ શું આપણી ઈચ્છા પૂરી કરી શકતા નથી ? બીજા માસોથી પણ પુરુષોત્તમ માસને આપ વધારે સારો ઘણો છો તે નવાઈ જેવું કહેવાય. હું તો શ્રી રામ અને ભગવાન શંકરને જ દેવોમાં શ્રેષ્ઠ માનું છું. રાત દિવસ હું તેમનું જ ઘ્યાન ધરું છું. આ દેવો મારાં દુઃખ દૂર નહીં કરે ! આવા મળમાસનાં તમે આટલાં બધાં વખાણ કેમ કરો છો ?
મેઘાવતીના આ શબ્દો સાંભળતાં જ દુર્વાસામુનિની આંખો ક્રોધથી લાલચોળ બની ગઈ. મિત્રની નિરાધાર પુત્રી હોવાથી તેમણે શાપ ન આપ્યો, તેમણે વિચાર કર્યો કે, તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી વિચાર કર્યો કે, તે બાળક બુદ્ધિ હોવાથી પોતાનું હિત સમજી શકતી નથી.
તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર હોય એમ જણાતું નથી. તેમણે કહ્યું ઃ હે પુત્રી ! તેં પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. તારે તેનું ફળ આવતા જન્મમાં ભોગવવું પડશે. આમ કહીને દુર્વાસા મુનિ ત્યાંથી રવાના થયા. પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી તે ૠષિકન્યા તેજ વિનાની બની ગઈ. તેને પસ્તાવો થવા લાગ્યો. તેણે તત્કાળ ફળ આપનાર શંકર ભગવાનની આરાધના કરવાનો નિશ્ચય કર્યો.


 અધ્યાય : ૧૧ સદાશિવનું વરદાન


 નારાયણ કહેવા લાગ્યા ઃ 'અબળા હોવા છતાં પણ મેઘાવતીએ આશ્રમમાં રહીને નંદી અને ભૂંગી જેમની સેવા કરે છે એવા ભગવાન શંકરની આરાધના કરવા માંડી. શિયાળામાં તે ગળા સુધીના પાણીમાં બેસતી. ઉનાળામાં પાંચ અગ્નિઓના ભડકાઓ વચ્ચે બેસતી, અને ચોમાસામાં કોઈ પણ વસ્ત્ર ઓઢ્યા વિના તપ કરતી. તે જમીન પર સૂઈ જતી. તે પ્રમાણે ભોજનમાં માત્ર ધુમ્રપાન કરતી. તેણે નવ હજાર વર્ષ સુધી આ પ્રમાણે તપ કર્યું. બધા ઋષિઓ તેની પ્રશંસા કરવા લાગ્યા, શંકર ભગવાને તેને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. મેઘાવતીએ આંખો ઉઘાડીને તેમને વંદન કર્યા તે પ્રાર્થના કરવા લાગીઃ 'હે શંભો ! આપે બાણાસુરનું રક્ષણ કર્યું. આપે અર્લક રાજાની મરણ પામેલી પત્નીને જીવતદાન આપ્યું. આપ શત્રુઓનો નાશ કરનાર છો. આપને હું મારા દુઃખો દૂર કરવાની પ્રાર્થના કરું છું.'
મેઘાવતીના ઉગ્ર તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે કહ્યું ઃ 'હે પુત્રી ! હું તારા તપથી પ્રસન્ન થયો છું. તું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગ. તારું કલ્યાણ થાઓ.'
શિવની આવી વાણી સાંભળીને મેઘાવતીને આનંદ થયો. તેણે કહ્યું ઃ 'હે દીનાનાથ ! હે મહાદેવ ! મને રાત દિવસ પતિના જ વિચારો આવે છે. માટે કૃપા કરીને મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, બસ પતિ આપો, પતિ આપો, મારી બીજી કોઈ ઈચ્છા નથી.' આમ કહીને તે કન્યા હાથ જોડીને શંકર સામે ઊભી રહી.
મહાદેવજીએ તેને કહ્યું ઃ 'હે ઋષિ કન્યા. તે મારી પાસે પાંચ વખત પતિ માટે યાચના કરી છે. તારી ઈચ્છા પૂર્ણ થશે. તને પાંચ સદ્ગુણી પતિ મળશે એવો મારો આશીર્વાદ છે.'
શંકર ભગવાનનું આવું વિચિત્ર વરદાન સાંભળીને મેઘાવતીને ઘણું જ દુઃખ થયું, તેણે કહ્યું ઃ 'હે કૈલાસનાથ ! એક પતિને પાંચ સ્ત્રી હોય એમ તો બને છે. પરંતુ એક સ્ત્રીને પાંચ પતિ ન હોઈ શકે. હું આપને આવું વરદાન ન આપવાની પ્રાર્થના કરૃં છું.'
શંકરે કહ્યું ઃ 'હે પુત્રી ! તું ડરીશ નહીં, તેં પુરુષોત્તમ જેવા સર્વ શ્રેષ્ઠ માસની હાંસી કરી છે. અને દુર્વાસા જેવા મુનિનો તિરસ્કાર કર્યો છે. તેના ફળ તરીકે તારે આ જન્મે નહીં તો આવતે જન્મે પણ પાંચ પતિની સ્ત્રી બનવું જ પડશે. અમે બધા દેવો પણ આ માસમાં વ્રત પૂજન કરીએ છીએ. તારે આવા પવિત્ર માસની હવેથી કોઈ દિવસ નિંદા ન કરવી, પુરૃષોત્તમ માસમાં ભક્તની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.' એટલું કહીને ભગવાન શંકર તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ શબ્દો સાંભળીને મેઘાવતી ચિંતાને લીદે નિસ્તેજ બની ગઈ.

અધ્યાય : ૧૨ મેઘાવતીનો નવો અવતાર

નારાયણ કહેવા લાગ્યા, 'હે નારદ ! શંકર અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી રડવા લાગી, તે વારંવાર નિઃશ્વાસ નાખવા લાગી. આ વરદાનની ચિંતામાં ને ચિંતામાં તેનું શરીર ઘસાઈ ગયું તે માંદી પડી અને થોડાક સમયમાં મૃત્યુ પામી.'
તે સમયે યજ્ઞાસેન નામના એક રાજાએ પૃથ્વી પર મહાયજ્ઞા કર્યો હતો. તેના યજ્ઞાકુંડમાંથી સુવર્ણ જેવા તેજવાળી એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યા તે જ દ્રપદરાજાની પુત્રી દ્રૌપદી. દ્રૌપદીની ઉંમર વિવાહ યોગ્ય થતાં તેના પિતાએ તેનો સ્વયંવર કર્યો. તેમાં અર્જુને મત્સ્યવેધ કરીને તેને જીતી લીધી. અર્જુનનું આ પરાક્રમ જોઈને બીજા બધા રાજાઓ ઝાંખા પડી ગયા. માતા કુંતીના શબ્દોનું પાલન થાય તેટલા માટે તે પાંચ પાંડવોની પત્ની ગણાવા લાગી. ત્યારબાદ પાંડવો અને કૌરવો જાગટું રમ્યા. તેમાં ધર્મરાજા યુધિષ્ઠરે રાજ્ય ગુમાવ્યું.
તે સતી દ્રૌપદીને પણ હારી ગયા દુઃશાસને ભરસભામાં રજસ્વલા દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચ્યા. તે દ્રૌપદીની લાજ લેવા ઈચ્છતો હતો. દ્રૌપદીએ ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી. દ્રૌપદીને આ બધાં દુઃખો પડતાં હતાં, કારણ કે તેણે ગયા જન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. શ્રીકૃષ્ણ તો સદાય ભક્તને આધીન હોય છે. દ્રૌપદીનો પોકાર સાંભળીને નવસોને નવાણું વસ્ત્રો પૂરા કર્યા. જેથી તેની લાજ બચી, આ પુરૃષોત્તમ માસ આટલો બધો પવિત્ર છે. ઋષિઓ અને દેવો પણ તેનું વ્રત કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણે કામ્યક વનમાં બેઠેલા પાંડવોને કહ્યું ઃ 'હે પાંડુપુત્રો ! તમે આ પુરૃષોત્તમ માસનું વ્રત કેમ કરતા નથી ? તમે આ માસનું વ્રત કરશો તો તમારા દુઃખો દુર થશે અને તમોને સુખ સંપત્તિ અને રાજ વૈભવ ફરીથી પ્રાપ્ત થશે.'
બધાને દિલાસો આપીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારામતી (દ્વારકા) પધાર્યા. વિદાય વેળાએ પાંડવોએ તેમને પાર્થના કરી, 'હે જનાર્દન ! અમે આપને શરણે છીએ. આપે જ અમારૃં રક્ષણ કર્યું છે. અમે આપનાં ફરીથી દર્શન કરવાથી ઈચ્છા રાખીએ છીએ.'
ભગવાને તેમને આશ્વાસન આપ્યું. પછી રથમાં બેસીને તેમણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું.
ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું ઃ 'થોડા જ વખતમાં પુરૃષોત્તમ માસ આવે છે, ભગવાનની, આજ્ઞાા મુજબ આપણે આ માસમાં વ્રત-પૂજન કરીએ. તેમણે આ માસનું યોગ્ય સમયે વિધિ અનુસાર વ્રત કર્યું.'
ચૌદ વર્ષ પૂરાં થતાં તેમને આ માસના વ્રતના પ્રભાવથી હસ્તિનાપુરનું રાજ્ય ફરીથી મળી શક્યું. પુરૃષોત્તમ માસના આવા પ્રભાવને કોઈક જ જાણી શકે છે.

અધ્યાય : ૧૩ પોપટનો ઉપદેશ

બધા ઋષિઓએ પૂછ્યું ઃ 'હે સુતદેવજી ! અમને તેનું માહાત્મ્ય સંભળાવો.'
સૂતપુરાણીએ કહ્યું ઃ 'હે ઋષિઓ ! હું તમને દ્દઃધન્વા રાજાનું આખ્યાન કહું છું તે શાંતિથી સાંભળો. હૈહય નામના દેશમાં ચિત્રવર્મા નામનો એક રાજા રહેતો હતો. તે સત્યવાદી, બુદ્ધિમાન અને શૂરવીર હતો. તેને દ્દઢધન્વા નામનો એક ગુણવાન પુત્ર હતો. આ પુત્ર ચૌદ વિદ્યામાં પારંગત હતો. વિદ્યાભ્યાસ કરીને ગુરૃદક્ષિણા આપી તેણે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. આવા ગુણવાન પુત્રને જોઈને ચિત્રધાર્માને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પુત્રને રાજ ગાદી સોંપીને વનમાં જઈને ઈશ્વરની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. તેણે બીજે જ દિવસે પુત્રને રાજકારભાર સોંપી દીધો, અને તે પુલહમુનિના આશ્રમમાં જઈને રહેવા લાગ્યો. તેણે ત્યાં જઈને નિરાહાર રહીને તપ કરવા માંડયુ. તપના પ્રભાવે તે થોડા જ સયયમાં વૈકુંઠમાં ગયો.'
પિતાને સદ્ગતિ મળી છે એવું સાંભળતાં કુમાર દ્દઢધન્વાએ તેઓની સારી રીતે ઉત્તર કર્યા કરી. તેણે ધર્મ અને નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા માંડયો. તેનો વિવાહ વિદર્ભદેશની રાજકન્યા ગુણસુંદરી સાથે થયો. તે રાજકન્યા રૃપ અને ગુણમાં અજોડ હતી. આ રાજકન્યાથી તેને ચાર પુત્રો અને એક પુત્રી ગઈ. આ પુત્રો ચિત્રવાક, ચિત્રવાહૂ, મણિમાન્ અને ચિત્રકુંડળ નામે ઓળખાવા લાગ્યા. પુત્રીનું નામ ચારૃમતી રાખવામાં આવ્યું.
એક વખત દ્દઢધન્વા એકલો સૂઈ ગયો હતો. ત્યાં તેને વિચારો આવવા લાગ્યા ઃ મેં એવાં ક્યાં પુણ્ય, તપ, દાન કે યજ્ઞા કર્યા હશે કે જેના ફળ રૃપે મને આવો વૈભવ મળ્યો છે ? મારે આ બાબતનો ખુલાસો કોઈને પૂછવો જોઈએ. આ રીતના વિચારોમાં તેની આખી રાત્રિ પસાર થઈ ગઈ, સવારમાં સ્નાન ઈત્યાદીથી પરવારીને તે ઘોડા પર બેસીને શિકાર ખેલવા માટે જંગલમાં ગયો. ત્યાં તેણે કેટલાયે પ્રાણીઓનો શિકાર કર્યો. તેના બાણથી ઘવાયેલો એક મૃગ જંગલમાં આગળ દોડયો. રાજા તેને પકડવા માટે તેની પાછળ દોડયો. પરંતુ તે મૃગ એકદમ અદ્રશ્ય થઈ ગયો. રાજા તેને શોધી કે પકડી શક્યો નહીં, છેવટે બપોર થતાં રાજાને ખૂબ જ તરસ લાગી. પાસેના એક સરોવરમાં પાણી પીને એક ઝાડની શીતળ છાયામાં આરામ લેવા બેઠો. ત્યાં ડાળી પર એક પોપટ આવ્યો તે માણસના જેવી ભાષા બોલવા લાગ્યો, હે રાજા ! વૈભવ પ્રાપ્ત થવાને લીધે તું કેવી રીતે તરી શકીશ ? પોપટના શબ્દો સાંભળીને રાજાને આનંદ થયો, રાજાને થયું આ પોપટ વારંવાર એક જ શ્લોક કેમ બોલતો હશે ? મારો ઉદ્વાર કરવા માટે તો તે નહિ આવ્યો હોય ? સંભવ છે કે શુકદેવજી પોતે જ હોય.
રાજા આમ વિચાર કરતો હતો ત્યાં તેના અંગરક્ષકો આવી પહોંચ્યા. પેલો પોપટ અદ્રશ્ય થઈ ગયો, રાજા તેની રાજધાનીમાં આવ્યો, પરંતુ તે પોપટના શ્લોકનું વારંવાર સ્મરણ કરતો હતો. તેણે ખાવું, પાવું, ઊંઘવું બધું છોડી દીધું. ગુણસુંદરીએ પૂછ્યું ઃ 'સ્વામી ! તમે આટલા બધા ઉદાસ કેમ દેખાઓ છો ?' રાજાએ તેના પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો. લોકો પણ રાજાની આ હકીકત સાંભળીને ચિંતામાં ડૂબી ગયા.

અધ્યાય : ૧૪ સુદેવની તપશ્ચયા

દ્દઢધન્વા રાજા આ રીતે ચિન્તામગ્ન થઈને બેઠો હતો. ત્યાં રામાયણના પ્રણેતા મહર્ષિ વાલ્મીકિ આવી પહોંચ્યા. તેમને આવેલા જોઈને રાજાએ તેમનું સ્વાગત કર્યું. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. રાજાએ કહ્યું 'આપનાં દર્શન કરીને હું પાવન થયો છું.'
ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું ઃ 'હે રાજન ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ? તમારા મનમાં જે મૂંઝવણ હોય તે મને કહો.'
દ્દઢધન્વાએ કહ્યું ઃ 'હે મહર્ષિ ! હું જંગલમાં શિકાર ખેલવા ગયો હતો. ત્યાં મને એક પોપટ મળ્યો. તે પોપટે મને વારંવાર એકનો એક શ્લોક સંભળાવ્યો. આ શ્લોકનો સાચો અર્થ શું થાય છે તે મને કહી સંભળાવવાની કૃપા કરો.'
ત્રીકાળજ્ઞાાની વાલ્મીકી ઋષિએ ધ્યાન ધરીને કહ્યું ઃ 'હે રાજા ! પૂર્વ જન્મમાં તારૃં નામ સુદેવ હતું. તું ધાર્મિક બ્રાહ્મણ હતો અને દ્રાવિડ દેશમાં રહેતો હતો. ગૌતમી નામની તારી પત્ની પણ પતિવ્રતા હતી, લગ્ન પછી લાબા કાળ સુધી તમારે કોઈ સંતાન નહોતું. એક દિવસ તે તારી પત્નીને કહ્યું- આર્યે ! આપણે બધી રીતે સુખી હોવા છતાં આપણને શેર માટીનું સુખ નથી, સંતાન વિનાનો સંસાર સ્માશાન જેવો છે. સંતાન વિનાના મનુષ્યનું સવારમાં કોઈ દર્શન પણ કરતું નથી. સંતાનવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. મને હવે જીવવાનો મોહ રહ્યો નથી.'
પતિનાં આવાં વચનો સાંભળીને ગૌતમીએ કહ્યું ઃ 'હે નાથ ! આપના જેવા જ્ઞાાની અને ભક્ત માણસે આ રીતે પુત્ર સુખની ઈચ્છા ન રાખવી જોઈએ. હે સ્વામી ! તમને પુત્ર થશે તો પણ તમારું દુઃખ નહી જાય. પુત્ર શોકને લીધે ચિત્રકેતું રાજાને વનમાં ભટકવું પડયું હતું. તેનો નારદજીએ ઉદ્ધાર કર્યો હતો. સદ્ગુણી પુત્ર એકસોને એક પેઢીનો ઉદ્ધાર કરે છે. તે જો કુપુત્ર પાકે છે તો જીવનને ઝેર જેવું કરી મૂકે છે. સુપુત્ર મેળવવા માટે તમારે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. પ્રબુ સર્વ શક્તિમાન છે. તેની કૃપાથી જ કદર્મ ઋષિને 'કપિલ' નામે દેવતુલ્ય પુત્ર પ્રાપ્ત થયો હતો.'
પત્નિનાં આવા વચન સાંભળીને સુદેવ તેને લઈને નદી કિનારે ગયો ત્યાં એકાંતમાં તપ કરવા લાગ્યો. તે પાંચ દિવસને અંતરે સુકાં પાંદડાં ખાતો અને નદીનું પાણી પીતો. આ પ્રમાણે તેણે ચાર હજાર વર્ષ સુધી તપ કર્યું. તેનું આવું ઉગ્ર તપ જોઈને વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસીને ત્યાં પધાર્યા. દ્દઢધન્વાએ ભગવાન વિષ્ણુને પોતાના સામે ઉભેલા જોઈને તેમને દંડવત્ પ્રણામ કર્યા.

અધ્યાય ઃ ૧૫ ગરુડનું વરદાન

સુદેવે બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી. ભગવાને પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું ઃ 'હે દેવેશ ! હું આપને શરણે આવ્યો છું. આપના ભક્તને કોઈ જાતનું દુઃખ હોતું નથી. આપ આ વિશ્વના આધારરૃપ છો, મારો સંસાર પુત્ર વિના સુનો થઈ ગયેલો છે. મારે ત્યાં એક પુત્ર થાય તેવું વરદાન આપો.'
ભગવાને કહ્યું ઃ 'હે બ્રાહ્મણ ! તારા નસીબમાં પુત્રનું સુખ લખાયેલું નથી.' તારા સાત અવતાર પુત્ર વિનાના જ જશે.
ભગવાનનાં આવાં કઠોર વચનો સાંભળીને તે બ્રાહ્મણ મૂર્છાવશ બની ગયો. પતિની આવી દશા જોઈને તેની પત્ની પણ રડવા લાગી. પતિને ભાનમાં લાવીને તે કહેવા લાગી ઃ 'હે નાથ ! વિધિના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. મનુષ્ય માત્રને કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. પ્રભુ સેવાનું ફળ સર્વોત્તમ હોય છે. શોક કરવાનું છોડી દઈને આજથી પ્રભુની સેવા શરૃ કરો.'
ગૌતમીના આ શબ્દો સાંભળીને ગરુડને ખુબ જ લાગી આવ્યું. પોતાના સ્વામીનું આ અપમાન તેનાથી સહન ન થયું. તેણે ભગવાન વિષ્ણુને કહ્યું ઃ 'મહારાજ હું વચ્ચે બોલ્યો છું, તો મારો ગુનો માફ કરશો. આપના જેવાએ આ બ્રાહ્મણને આપેલું વચન પાળવું જ જોઈએ. તેની આંખમાંથી આંસુ નીકળે છે, તેની પત્ની પણ શોક કરે છે. આપ દયાના સાગર છો. આપની દયા આજે ક્યાં ગઈ છે ? આપ જો તેની પુત્રેચ્છા પૂર્ણ નહીં કરો તો આપની કોઈ આરાધના નહીં કરે ? ગમે તેમ કરીને પણ આપે આ બ્રાહ્મણને પુત્ર આપવો જોઈએ.'
ગરુડનાં આવાં વચન સાંભળીને વિષ્ણુએ પ્રસન્ન મુખે કહ્યું ઃ 'હે ગરુડ ! તું જ આ બ્રાહ્મણની પુત્રેચ્છા પૂરી કર. તું મારું વાહન છે. તારી ઈચ્છાનુસાર બધું બનશે.' શ્રી હરિનાં આવાં વચનો સાંભળીને ગરુડને આનંદ થયો. તેણે બ્રાહ્મણને કહ્યું ઃ 'હે બ્રાહ્મણ ! મારા સ્વામીની આજ્ઞાા પ્રમાણે હું તને વરદાન આપું છું કે તારે ત્યાં પુત્ર અવતરશે. મારા અંશથી ઉત્પન્ન થયેલો તે પુત્ર તમને બંનેને સુખી કરશે.
'

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें